નારીને સન્માન મળે તે માટે કાર્યરત છું: નિર્મલા પુતુલ

એમ.ટી.બી. આર્ટસ કોલેજના શતાબ્દીપર્વ નિમિત્તે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય જનજાતીય વિશ્વવિદ્યાલય, અમરકંટક સાથે સંયુક્ત રૂપે આયોજિત ‘ભારતીય આદિવાસી સાહિત્ય’ વિષયક બે દિવસના આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીના ઉદ્ઘાટક રૂપે દેશના જાણીતા આદિવાસી કવયિત્રી નિર્મલા પુતુલ સુરતના મહેમાન બન્યાં છે. ઝારખંડના સાંથાલ પરગણાના દુમકા જીલ્લાના દુધની કુરૂવા ગામના મુખિયા એવા આ ૪૬ વર્ષીય કવયિત્રીએ સાંથાલની આદિવાસી નારીઓનો ચિત્કાર દેશ અને દુનિયા સામે પોકારવાની કપરી જવાબદારી માથે લીધી છે. તેઓ રાજનીતિ શાસ્ત્રના સ્નાતક છે અને નર્સિંગના ડીપ્લોમાધારક છે.

નિર્મલાજી સાંથાલી, હિન્દી, નાગપુરી, બાંગ્લા, ખોરઠા, ભોજપુરી, અંગિકા, અંગ્રેજી ભાષામાં વ્યવહાર કરી શકે છે અને સામાજિક કાર્ય અને આદિવાસી મહિલાની ભાગીદારી વિષયે કાર્યરત છે. શિક્ષણ, સામાજિક વિકાસ, માનવાધિકાર અને આદિવાસી મહિલાઓના સમગ્ર ઉત્થાન માટે વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાગત સ્તર પર સતત સક્રિય રહે છે. તેઓ અનેક રાજ્ય સ્તરીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયા છે. આદિવાસી, મહિલા, શિક્ષણ, સાહિત્યિક વિષયો પરના સંમેલનો, આયોજનો, કાર્યશાળાઓ અને કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપવાથી માંડીને મુખ્ય ભૂમિકા નિભાવે છે. અનેક સંગઠનોની તેમણે સ્થાપના કરી છે. પોતાના ક્ષેત્રની ભૂમિહીન-નિર્ધન નારીઓના નર્સિંગ માટે સતત કાર્યરત રહ્યાં છે. તેમું મુખ્ય કાર્યક્ષેત્ર આદિવાસી મહિલાઓના વિસ્થાપન, પલાયન, ઉત્પીડન, સ્વાસ્થ્ય, શિક્ષણ, જાતીય સંવેદનશીલતા, માનવાધિકાર અને સંપતિ પરના અધિકારો માટે તેઓ ઝઝૂમે છે.

તેમના પરિવારમાં શિક્ષણ કે કવિતાના કોઈ જ સંસ્કાર નહોતાં છતાં તેઓ કવિકર્મ કરે છે. તેમણે કહ્યું કે મારે કવિ બનવું નહોતું, પણ મહિલાઓના ઉત્પીડનને શબ્દોને મુકતા તેઓ કવયિત્રી બની ગયાં. તેમના કાવ્યો આદિવાસી મહિલાઓ જેટલાં સરળ હોય છે. એમના જેવી વ્યથામાંથી પોતે પણ ગુજર્યા હોવાથી તેમના કાવ્યોમાં આદિવાસી બહેનોને સ્વાભાવિક રીતે પોતીકાપણું લાગે છે. તેઓ દલિત મહિલાઓના હકની વાતો કરે છે અને તેમને માનવઅધિકારો અપાવવા પ્રયત્નશીલ રહે છે. એ બહેનોની સ્થિતિમાં તેઓ કોઈ ફર્ક લાવી શક્યા છે? એવા પ્રશ્નના જવાબમાં નિર્મલા ફિક્કું હસીને કહે છે, ‘ભાઈ, હું તો બીજ વાવું છું. પણ મને ખાતરી છે કે એ ઉગી નીકળશે. આખું જીવન ઓછું પડે એટલું કામ કરવાનું બાકી છે.’

તેઓ કેવા બહેનોનું પ્રતિનિધિત્વ કરે છે? એવા સવાલમાં તેમણે કહ્યું, ‘જેમને ઘરના ઉંબરાની અંદર કે બહાર કશે જ માન મળતું નથી, સમાજ અને પુરુષો દ્વારા સતત દબાયેલી રહેલી નારીઓના, બાળપણ વિનાના બાળકોની માતાઓની હું પ્રતિનિધિ છું, હું ઝારખંડની દલિત નારીઓની વાત કરું છું, પણ દેશની તમામ ગ્રામીણ નારીઓને લાગે છે કે હું તેમની જ વાત કરું છું.’

તમારું સપનું શું છે? એના જવાબમાં તેમણે કહ્યું, ‘એમને પ્રાથમિક માન અપાવવું, આનંદમય, સ્વચ્છ અને સ્વસ્થ જીવન મળે, તેમના બાળકોનો યોગ્ય ઉછેર થાય, મહેનતકશ કામ કરવાની આઝાદી મળે, આર્થિક રીતે નિર્ભર થાય, ટૂંકમાં તેમને હક મળે એ મારું સપનું છે.’

આઝાદીના સાત દાયકામાં એ નારીઓના જીવનમાં શું ફર્ક આવ્યો? એના જવાબમાં નિર્મલા પુતુલે કહ્યું, ‘તે અધિકાર વિહીન હતી અને છે, તે પિતા કે પતિની સંપત્તિની વારસ નથી, તેની જમીન તેની નથી, તેના સંતાનના બાળપણના ભોગે તે કારમી મજુરી કરે છે. તેને કે બાળકને પુરતું પોષણ મળતું નથી. સરકારો જે લાભની વાતો કરે છે તે તેમના સુધી પહોંચ્યા જ નથી.’

તેમના બાળકો ભણે છે ખરા? તો કહે, ‘મધ્યાન ભોજન માટે જાય છે શાળાઓમાં, જે પણ તેમના અધિકારીઓ ખાઈ જાય છે. શિક્ષકો ભણાવતા નથી. સાત ધોરણ સુધી અક્ષરજ્ઞાન મળતું નથી. પછી બાળકો પણ મજુરી કરતા થઇ જાય છે.  યુવાનોને જોઈએ તે મળતું નથી માટે ઝુટવી લેવા માંગે છે તો તેમને નક્સલવાદી કહીને સજા કરાય છે.

તેમની વ્યથા કહેતી કવિતાઓમાં નિર્મલાએ ‘અપને ઘર કી તલાશ’, ‘નગાડે કી તરહા બજતે સબ’ અને ‘બેઘર સપને’ કાવ્ય સંગ્રહો આવ્યા. જેને સાહિત્ય અકાદમીના એવોર્ડ વિજેતા બન્યા તે કેવું લાગ્યું? તો કહે, ‘મેં દુનિયા જોઈ, પ્રેરણા મળી, હું જે કરું – કહું છું તે કેટલું સાચું છે, તેનું ભાન થયું.’

નિર્મલા પુતુલના જીવન પરથી દૂરદર્શને ‘બુરુ ગારા’ નામની ફિલ્મ બનાવી છે. જેની કથા નિર્મલાના સંઘર્ષની કથા છે. તેમણે ‘જીવન રેખા’ નામનું ટ્રસ્ટ બનાવ્યું છે, જેમાં મહિલા જાગૃતિ અને શિક્ષણ તથા માનવઅધિકારનું કાર્ય થાય છે.

નિર્મલા પુતુલની પ્રતિનિધિ કવિતા:

मर के भी अमर रहते हैं सच्चाई के लिए लड़ने वाले

तुम मरे नही हो, ललित महेता

मरा नहीं है तुम्हारा ज़मीर

तुम्हारी ईमानदारी की पुकार जनता के बीच

गूँजती रहेगी हमेशा सदियों तक ।

तुम्हारी क़ब्र की दरारों से

आवाज़ें आती रहेंगी और हमें बुलाती रहेंगी

और लहू के कतरे जो ज़मीन पर गिरे

उनसे प्रस्फुटित होंगे हज़ारों-हज़ार

इससे पहले भी इस धरती पर कई योद्धाओं ने

देश की ख़ातिर कुरबानी दी,

उसी के लहू के कतरों से

तुम जैसे संघर्षरत योद्धा अंकुरित हुए

और आगे भी अंकुरित होते रहेंगे ।

तुम्हारा लहू जहाँ गिरे वहाँ से पेड़ भी जनमेंगे तो

तुम्हारी शक्लों में दिखेंगे और

चीख़ेंगे व्यवस्था के विरुद्ध,

तुम्हारी हत्या साबित करती है कि

सच बोलने वाले ऐसे ही मार दिए जाते हैं

उनको जीतने से पहले हरा दिया जाता है

मार दिया जाता है ज़िन्द रहने से पहले

पर इतिहास गवाह ऎसे लोग मरते नहीं कभी

ज़िन्दा रहते हैं मरकर भी ।

ठीक वैसे ही तुम भी रहोगे ज़िन्दा

यहाँ की आबोहवा में

एक-एक मनुष्य की स्मृतियों में और

हमेशा-हमेशा के लिए ज़िन्दा रहोगे

इतिहास के पन्नों में…।

–              निर्मला पुतुल  

મુલાકાત: નરેશ કાપડીઆ